હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ

હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: બેગુનાહ લોકો ઉપર ઇલઝામ અને આરોપ લગાડવો આસમાનથી પણ વધારે મોટો ગુનોહ છે
(બિહારૂલ અનવાર ભાગ ૭ પેજ ૩૧)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: મોટામાં મોટો ગુનાહે કબીરા અલ્લાહની રહમત ઉપર ભરોસો ન કરવો છે.
(મીઝાનુલ હિકમત ભાગ ૩ પેજ ૪૬૨)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: યા અલ્લાહ અમારા એ ગુનાહોને બખશી આપ જે દુઆઓને તારી બારગાહ સુધી પોહચવાથી રોકે છે
(દુઆ એ કુમૈલ)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: ગીબત કરવી કમજોર આદમીની આખરી કોશિશ હોય છે.
(નેહજુલ બલગાહ હિકમત નં ૪૬૧)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: એક શખ્સે અઘરો પ્રશ્ન પૂછી લીધો તો આપે ફરમાવ્યું કે સમજવા માટે પુછો છો કે મૂંઝવણમાં પડવા માટે, કેમકે જે જાહિલ પણ શીખવા માંગે તો તે આલિમ જેવો છે અને જે આલિમ પણ ગૂંચવણમાં પડાવા માંગે તો તે જાહિલ જેવો છે.
(નેહજુલ બલાગાહ હિકમત નં 320)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ, એ સમયે દુનિયાથી રૂખ્સત થયા જયારે તેમનું માથું મારી છાતી ઉપર હતું અને તેમની પવિત્ર રૂહ મારા હાથો પર જુદી થઈ રહી હતી તો મેં પોતાના હાથોને મોં પર લગાવી દીધા. મેં જ આપને ગુસ્લ આપ્યું છે જયારે ફરિશ્તા મારી મદદ કરી રહ્યા હતા. અને ઘરની અંદર તથા બહાર તેઓ ગિર્યા વ જારી કરી રહ્યા હતા(રડી રહ્યા હતા). એક ટોળું ઉતરી રહ્યું હતું તો એક પાછું જઈ રહ્યું હતું. બધા નમાઝે જનાઝા પડી રહ્યા હતા અને લગાતાર હું તેઓની અવાજ સાંભળી રહ્યો હતો. ત્યાં સુધી કે મેં જ હઝરતને કબ્રમાં ઉતાર્યા. તો હવે બતાવો કે જિંદગી અને મૌતમાં મારાથી વધીને કોણ તેમની નજીક હતું? પોતાની લાંબી નજરની સાથે અને સાચી નિય્યતના ભરોસે આગળ વધો, અને પોતાના દુશ્મનોથી જેહાદ કરો.
(નેહજુલ બલગાહ ખૂતબા નં ૧૯૮)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: સૌથી ખરાબ વ્યક્તિ એ છે કે જે પોતાને બીજા કરતા સારો સમજે.
(ગોરરુલ હિકમ ભાગ ૪ પેજ ૧૬૮)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: બની શકે એટલી વધારે નૈકી કરો કેમકે નૈકી ખતરનાક મોતથી બચાવે છે.
(હદિયતુશ શીઆ પેજ ૫૯૭)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: હવસની શરૂઆત લિજ્જતથી હોય છે મગર તેનું અંત નાબૂદીમાં છે.
(ગોરરૂલ હિકમ હદીસ ૩૧૩૩)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: જ્યારે પણ કોઈ કામ શરૂ કરવું હોય તો તેના માટે બોવ ઊંડું વિચારો અને જયારે બધીજ બાજુથી સરખી રીતે માહિતી મળી જાય પછી જ તેને શરૂ કરો અને મક્કમ ઇરાદા સાથે શરૂ કરો.
(મીઝાનુલ હિકમત ભાગ ૩ પેજ ૫૪)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: બધીજ વસ્તુનું એક ઝકાત હોય છે અને બુદ્ધિમાન ઇન્સાનનું ઝકાત બેવકૂફ લોકોને સહન કરવાનું હોય છે.
(ગોરરૂલ હિકમ વ દોરરૂલ કેલમ હદીસ ૫૨૭)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: દેખાવ માટે કામ કરવાવાળા ત્રણ પ્રકારના હોય છે (રોડશો કરવાવાળા):
1. જયારે લોકો તેને જોવે છે ત્યારે તે ખુશી ખુશી અમલ કરે છે.
2. અને જયારે એકલો હોય છે ત્યારે ઇબાદત કરવામાં જલ્દી કરે છે આળસુ બની જાય છે.
3. અને તેની ઈચ્છા એવી હોય છે કે લોકો તેના તમામ કાર્યોમાં વાહ-વાહ કરે.
(કાફી ભાગ ૨ પેજ ૨૯૫)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: સારા કાર્યો કરો અને થોડી ભલાઈને પણ મામુલી ન સમજો.
(નેહજુલ બલાગહ હિકમત ૪૨૨)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: યાદ રાખો ! કે આ કુરઆન એવી નસીહત કરનારી કિતાબ છે કે જે કદી ધોકો દેતી નથી અને એવી હાદી છે કે જે ગુમરાહ કરતી નથી. અને એ બયાન કરવાવાળી છે જે કદી જૂઠથી કામ લેતી નથી. કોઈ શખ્સ તેની પાસે નથી બેસતો પણ જયારે ઊઠે છે તો હિદાયતમાં વધારો કરી લે છે અથવા ઓછામાં ઓછું ગુમરાહી ઓછી કરી લે છે.

યાદ રાખો ! કુરઆનની પછી કોઈ કોઈનો મોહતાજ નથી થઈ શકતો અને કુરઆનની પહેલા બેપરવા નથી થઈ શકતો. તમારી બીમારીઓમાં તેનાથી શિફા મેળવો, અને પોતાના સંકટોમાં તેનાથી મદદ માંગો. કેમકે તેમાં ખરાબમાં ખરાબ બીમારી કુફ્ર અને નિફાક અને ગુમરાહી તથા ભટકવાનો ઇલાજ પણ મૌજૂદ છે. તેના મારફત અલ્લાહથી માંગો અને તેની મોહબ્બતના વાસ્તાથી તેની તરફ રૂખ કરો. અને તેની મારફત લોકોથી સવાલ ન કરો. એટલા માટે કે માલિકથી ધ્યાન ધરવા માટે તેના જેવો કોઈ વસીલો નથી અને યાદ રાખો કે તે એવો ભલામણ કરનારો છે જેની ભલામણ કબૂલ થાય છે. અને એવો બોલવાવાળો છે, જેની વાત સાચી પુરવાર છે.

જેના માટે કયામતના દિવસે કુરઆન સિફારિશ કરી દે તેના હકમાં શફાઅત કબૂલ છે, અને જેના એબો એ ગણાવી દે એના એબો સમર્થન પામેલા છે. કયામતના દિવસે એક પોકારનારો અવાજ આપશે દરેક ખેતી કરનાર પોતાની ખેતીમાં અને પોતાના અમલના અંજામમાં અટવાએલો છે. પણ જે પોતાના દિલમાં કુરઆનના બી વાવવાવાળા હશે તેઓ સફળ છે એટલે તમે લોકો એજ લોકોમાં અને કુરઆનની પયરવી કરવાવાળામાં શામિલ થઈ જાવ. તેને માલિકના દરબારમાં આગેવાન બનાવો અને તેનાથી પોતાના નફસ માટે નસીહત મેળવો. અને પોતાના વિચારોને નિંદાપાત્ર સમજો અને પોતાની ઇચ્છાઓને ધોકો ખાધેલ ગણો.
(નેહજૂલ બલાગાહ ખૂતબા નં ૧૭૫ માં)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: ખુદા ની કસમ! લાલચી ઓલમાઓ, દુનિયાની મોહબ્બત ધરાવતા આબિદો, દગો આપવાવાળા પૈસાવાળાઓ, દેખાવ કરવાવાળા મુજાહિદો, અને અન્યાય કરવાવાળા લીડરોએ લોકોને તબાહ અને બરબાદ કરી દીધા છે.
ખુબજ જલ્દી અન્યાય કરવાવાળા અને ઝાલીમોને ખબર પડી જશે કે તેઓ ફરીને પાછા ક્યા જવાના છે (એટલે કે જહન્નમની ધકધક્તી આગ તેની રાહ જોય રહી છે).
(મિઝાનુલ હિકમત)
નોટ: ઉપર દર્શાવેલા દેરક પ્રકારના લોકો આજે આપણે ડગલેને પગલે જોઈએ છીએ અને આપણું પછાત રેહવાનું કારણ આ બધી વસ્તુ અથવા એમાંથી કોઈ પણ એક વસ્તુ આપણામાં છે મગર આપણે હંમેશા બીજા લોકોને ધ્યાનમાં રાખીએ છીએ કે તે આવો છે તે બરાબર નથી આપણે ફક્ત બીજા લોકોને ઐબ ગોતીએ છીએ આપણા પોતાના ઐબ જોતા નથી અને તેને સુધારવની કોશિશ પણ કરતા નથી જ્યારે કે આપણે બીજાને નહિ પણ ખુદને સુધારી શકીએ છીએ તો આજથી આપણે પોતે, પોતાને સુધરવાની કોશિશ કરીએ આપણે પોતે સુધરી જશું તો બીજા પણ સુધરી જશે ઇન્શાલ્લાહ.
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: અગર તમે તમારા દીનને દુનિયાના ચક્કરમાં ભૂલી જાવ અને દીન ઉપર અમલ કરવાનું બંધ કરી દો તો તમે દીન અને દુનિયા બન્ને બરબાદ કરી દીધી અને આખેરાતમાં પણ નુકસાન ઉઠાવું પડશે.
અને દુનિયાને હસીલ કરવા માટે દીન પ્રમાણે અમલ કર્યો તો દીન અને દુનિયા બન્ને મળશે અને આખેરતમાં પણ કામયાબી મળશે.
(ગોરરૂલ હિકમ હદીસ ૩૭૫૦)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: મેં પરવરદિગારને ઇરાદાઓના તૂટવાથી અને નિય્યતોના ફરી જવાથી અને હિમ્મત હારી જવાથી ઓળખ્યો છે.
(નેહજુલ બલાગહ હિકમત નં ૨૫૦)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: એ ન જોવો કોણે કીધું બલ્કે એ જોવો કે શું કીધું.
(ગોરરૂલ હિકમ હદીસ ૩૦૧)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: તોબા કરવા માટે આ ચાર વસ્તુ હોવી જરૂરી છે:
1. દિલની અંદર ભૂલની શર્મીનદગી
2. જીભથી ઇસ્તેગફાર (માફી માંગવી)
3. અંગ અને કાર્યોથી અમલ
4. બીજી વખત ગુનાહ તરફ ન જાવાનો મક્કમ ઈરાદો
(કશફૂલ ગમ્મ ભાગ ૨ પેજ ૩૪૯)
નોટ: કેટલાક લોકો ગુનાહની માફીને બિલકુલ નોર્મલ સમજે છે જયારે કે આપણા મોલાએ આ હદીસ અને બીજી હદીસોમાં ગુનાહોની માફી માટે આ બધી શર્તો રાખી છે ફક્ત જીભથી અલ્લાહ તોબા અને માફી કાફી કબૂલ નથી કરતો બલ્કે મેન વસ્તુ છે શર્મીનદગી અને બીજી વખત તે ગુનાહ ન કરવાનો મક્કમ ઈરાદો તો અલ્લાહ જરૂર માફ કરશે, અને જે ફક્ત જીભથી તોબા તોબા કરે છે તે લોકો ફરી વખત ગુનાહ કરી બેઠે છે કેમકે તે અંદરથી પશેમાન અને શરમિંદા નથી થયા હોતા.

પહેલી વસ્તુ શૈતાનના બેહકાવામાં નહિ આવવાનું બીજી વસ્તુ મક્કમ ઈરાદો કરવાનો કે હવે ગુનાહ નહિ કરીશ અને તોબા કરવા માટે જલ્દી કરો આજે નહિ કાલે માફી માંગશું તેની વાત ન માનીને દિલથી પશેમાન થઈને સરખી રીતે જેમ બને તેમ જલદી દિલથી તોબા કરી લેવી કેમકે એવા ઘણા બધા કિસ્સા સાંભળવા મળ્યા છે કે તે લોકો એમ કહી ને સૂતો કે કાલે સવારના ઉઠીને માફી માંગીશ મગર તે સવારના ઉઠી ન શક્યા

જો કલ કરના હૈ વોહ આજ કરો ઓર જો આજ કરના હૈ વોહ અભી કરો અચ્છે કામમે દેરી બિલકુલ નહિ કરની ચાહીયે
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અ.સ ફરમાવ્યું: કુરઆનની હિદાયતની સાંકળને વળગી રહો અને તેનાથી શિખામણ ગ્રહણ કરો. તેના હલાલને હલાલ ગણો અને હરામને હરામ ગણો. હકની વીતી ગયેલી વાતોનું સમર્થન કરો. અને દુનિયાના ભૂતકાળથી તેના ભાવિ માટે બોધ ગ્રહણ કરો (સબક લ્યો) કેમકે તેનો એક ભાગ બીજા ભાગથી મળતો આવે છે. અને દુનિયાનો અંત આરંભ સાથે ભેગો થવાવાળો છે. અને બધાયને આ દુનિયા છોડી ને જવાનું છે.
(નેહજુલ બલાગાહ લેટર નં ૬૯ નો ભાગ)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: કોઈને પણ વધારે ચેતવણી (warning) આપવાથી બચો, કેમકે વધારે પડતી ચેતવણી ઇન્સાનને ગુનાહ કરવાની હિમ્મત અપાવે છે અને ચેતવણીનો કંઈ ફાયદો થતો નથી.
(ગોરરૂલ હીકમ હદીસ ૩૭૪૮)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: અગર તમે ચાહો છો કયામતમાં અમારી સાથે રહો તો ઝાલિમોની મદદ ન કરો, જે કોઈ પણ અમારી સાથે મોહબ્બત કરશે તેઓ તે દિવસે (કયામતમાં) અમારી સાથે રહેશે અને અગર કોઈ પથ્થરના ટુકડા સાથે મોહબ્બત કરતુ હશે તો તે તેની સાથે મેહશુર થશે (એટલે કયામતના દિવસે જે જેની પૂજા કરતું હશે અથવા કોઈ બાતીલ લીડરને માનતો હશે તો તેઓ તેની સાથે કયામતના દિવસે લાવવામાં આવશે)
(અમાલી શૈખ સદુક પેજ ૨૦૯)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જેની પાસે આ ચાર વસ્તુ હશે તેની દુનિયા અને આખેરત બન્ને ફાયદામાં રહશે:
1. હંમેશા સાચું બોલવું
2. અમાનતને અદા કરી દેવું
3. હલાલ ખાવું
4. અને સારા અખલાકનું હોવું
(ગોરરૂલ હિકમ હદીસ ૩૧૭)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: વધારે પડતો કરઝો લેવાથી અને દેવું લેવાથી સાચ્ચુ બોલનાર ઇન્સાન પણ ખોટુ બોલવા લાગે છે અને સારો ઇન્સાન ખરાબ બની જાય છે.
(મિઝાનુલ હિકમત ભાગ ૭ પેજ ૨૦૮)
નોટ: નમાઝમાં સાત તકબિર અને તેની ખાસિય્યત, રૂકુઅ સજદા તશહ્હુદ અને સલામની ટૂંકમાં જાણકારી કે નમાઝની આ બધીજ ઈતાઅતમાં શું-શું ખાસિય્યત અને મફહુમ છે તે આ હદીસમાં બયાન કરવામાં આવ્યું છે
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: પહેલી તકબીર એ અલ્લાહ તઆલા માટે છે કે જેને ઉભુ રેહવાની કે બેઠવાની જરુરત નથી.
બીજી તકબીર એ અલ્લાહ તઆલા માટે કે જેને ચાલવાની કે એક જગ્યા ઉપર રેહવાની જરુરત નથી પડતી.
ત્રીજી તકબીર એ અલ્લાહ તઆલા માટે કે જેને કોઈ પણ વસ્તુની જેમ ન સમજવો (એટલે કે કોઈ ની જેવો નથી)
ચોથી તકબીર એ અલ્લાહ તઆલા માટે જે બધીજ વસ્તુ પહેલા હતો.
પાચમી તકબીર એ અલ્લાહ તઆલા માટે કે જેની કોઈ ખાસ જગ્યા નથી તે બધીજ બાજુ છે.
છઠ્ઠી તકબીર એ અલ્લાહ તઆલા માટે જે હમેશા બાકી રેહવાનો છે જ્યારે કે બીજી બધી વસ્તુ ખતમ થઈ જવાની છે.
સાતમી તકબીર એ અલ્લાહ તઆલા માટે કે જે બધી વસ્તુની જેમ શરીર કે અવયવો નથી રાખતો.

રૂકુઅ: હું અલ્લાહ તઆલા ઉપર ઈમાન લાવ્યો છું ભલે મારી ગરદનને મારા શરીર થી અલગ કરી દેવામાં આવે હું કોઈ દિવસ આ ઈમાનથી મોઢું ફેરવિશ નહિ.
રૂકુઅ પછી ઊભા થતી વખતે (સમેઅ અલ્લાહો લેમન હમેદહ): અય અલ્લાહ હું કઈ ન હતો તો તું મને આ દુનિયામાં લઈને આવ્યો અને હું કઈ પણ નથી જયારે કે તું બધીજ વસ્તુનો માલિક છો.
પહેલા સજદામાં: અય અલ્લાહ તે મને આ માટીથી બનાવ્યો છે.
સજદામાંથી ઉભા થઈએ: એટલે મને આ માટી માંથી ઊભો કરવામાં આવશે.
બીજા સજદામાં: અય અલ્લાહ તું અમને આ માટીમાં ફરી મોકલવાનો છો.
બીજા સજદા માં થી ઉભા થઈએ: એટલે કયામતના દિવસે આ માટીમાંથી ઉઠાવવામાં આવશે અને ત્યાં અમલને તપાસવામાં આવશે.
તશહ્હુદ: અલ્લાહની ઉપર અકિદો, અલ્લાહ એક છે તેની ગવાહી, અને રસૂલે ખુદા સ.અ.વ. ની રિસાલત ઉપર ગવાહી, અને ઓલાદે રસુલ ઉપર સલવાત.
સલામ: અલ્લાહ તરફથી તમામ બંદે ખુદા માટે ખાસ સલામતી, કે જે એ નમાઝીઓને કયામતના અઝાબથી બચાવશે.
(બિહારૂલ અનવાર ભાગ ૮૧ પેજ ૨૬૪)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જે શખ્સ પોતાના (અવયવો જેમકે) હાથ, દિલ અને જીભથી બુરાઈને બુરાઈ ન સમજે તો તે જીવતા ઇન્સાનોમાં મરેલા ઇન્સાન જેવો છે.
(જામેઉસ સઆદત ભાગ ૨ પેજ ૨૩૮)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જેટલી બની શકે એટલી નેકી કરો કેમકે નેકી ખરાબ મોતથી બચાવે છે
(હદયતુશ શીઆ પેજ ૫૯૭)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જેઓ ગરીબ જેવો દેખાવ કરે છે તે ગરીબ થઈ જાય છે.
(ગોરરૂલ હિકમ હદીસ ૭૯૩૭)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: ઓલમા ની ઝિયારત અને મુલાકાત અલ્લાહ તઆલા ને 70 વખત ખાને કાબા ના તવાફ કરતા પણ વધારે પસંદ છે.
(બિહારૂલ અનવાર ભાગ ૧ પેજ ૨૦૫)
શિયાઓની સાત નિશાનીઓ હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
1. અમારા શિયાઓ અમારી વિલાયત માં એક બીજા માટે ખર્ચ કરે છે
2. અમારી મવદ્દત માં એક બીજા થી મોહબ્બત કરે છે
3. અમારા હુક્મ ને જીવતું રાખવા માટે એક બીજાની મુલાકાત કરે છે
4. જયારે તે ગુસ્સા માં આવી જાય ત્યારે તે ઝુલ્મ અને અત્યાચાર નથી કરતા
5. અને જયારે તે ખુશ હોય ત્યારે તે વધારે પડતો ખર્ચ નથી કરતા
6. પાડોસીઓ માટે બરકત નું કારણ હોય છે
7. મળવા વાળા લોકો માટે સલામતી અને તંદુરસ્તી ની ઈચ્છા ધરાવે છે.
(કાફી ભાગ ૨ પેજ ૨૩૬)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જે કોઈ પણ અલ્લાહ તઆલાની ખુશી માટે રજબ મહિનામાં સદકો આપશે તો અલ્લાહ તઆલા તેને એટલી બધી ઈજ્જત આપશે કે તેની આંખે કોઈ દિવસ જોઈ નહિ હોય, તેના કાને કોઈ દિવસ સાંભળી નહિ હોય, અને તેએ દિલ માં કોઈ દિવસ વિચાર્યું નહિ હોય (એવી ઈજ્જત પ્રાપ્ત થશે)
(ફઝાએલુલ અશહર પેજ ૩૮)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: ઇસ્તેગફાર અને તોબા થકી તમે પોતાને સુગંધિત કરો જેથી ગુનાહોની ગંધ તમને બદનામ અને રૂસ્વા ન કરે.
(બિહારૂલ અનવાર ભાગ ૬ પેજ ૨૨)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: બધીજ દુઆઓ નો ખુલાસો આ ૪ દુઆની અંદર છે જેને દરરોજ સવારે પઢો.
1. الحمد لله على كل نعمه
2. و أسأل الله من كل خير
3. و استغفر الله من كل ذنب
4. و اعوذ بالله من كل شر
(બિહારૂલ અનવાર ભાગ ૯૧ પેજ ૨૪૨)
નોટ: 1. અલ્હમદો લિલ્લાહે અલા કુલ્લે નેઅમ્હ = બધાજ વખાણ અલ્લાહ માટે છે જેએ આ બધીજ નેઅમતો આપી.
2. વ અસઅલુલ્લાહે મિન કુલ્લે ખૈર = હું અલ્લાહ પાસે દુઆ માંગુ છું કે મને બધીજ સારી વસ્તુ અતા કર.
3. વ અસ્તગફેરુલ્લાહે મીન કુલ્લે ઝંમ્બ = હું અલ્લાહ પાસે મારા બધાજ ગુનાહો ની માફી માંગુ છું.
4. વ અઉઝો બિલ્લાહે મીન કુલ્લે શર = અય અલ્લાહ મને તમામ બુરાઈ થી બચાવીને રાખ.
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જે કોઈ મોમીન મેહમાન નો અવાજ સાંભળી ને ખુશ થઇ જાય તો તેના ગુનાહો ને માફ કરી દેવામાં આવશે પછી ભલે તેના ગુનાહ આસમાન અને ઝમીન જેટલા હોય.
(સફીનતુલ બહાર ભાગ ૨ પેજ ૭૭)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સ્લામ ફરમાવે છે: બે પ્રકારના અમલમાં કેટલું અંતર છે!
1. એ અમલ જેની મઝા ખતમ થઇ જાય અને સઝા બાકી રહે (એટલે કે ગુનાહ).
2. અને એ અમલ જેની મેહનત ખતમ થઇ જાય અને સવાબ બાકી રહે (ઈબાદત).
(નેહજુલ બલાગહ હિકમત નં ૧૨૧)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: બેહતરીન અખલાક વાળી ઝિંદગી આ ત્રણ વસ્તુની અંદર છે:
1. હરામ થી બચવું
2. હલાલ રોજી માટે મેહનત
3. પોતાના કુટુંબ માટે આરામ વાળી ઝિંદગી.
(બિહારૂલ અનવાર ભાગ ૭૧ પેજ ૩૯૪)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જે અલ્લાહ તઆલા ઉપર અને કયામત ના દિવસ ઉપર ઈમાન રાખે છે તે શકવાળી જગ્યા ઉપર નથી જતા અને ત્યાં નથી રોકાતા.
(અલ્કાફી ભાગ ૨ પેજ ૩૭૮)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સ્લામ ફરમાવે છે: કેટલાક રોઝાદાર એવા છે જેના રોઝા મા ભુખ પ્યાસ સિવાય બીજું કઈ નથી હોતું, અને કેટલાક ઈબાદત ગુઝાર અને નમાઝ પઢનાર એવા છે જેમણે રાત જાગી ને તકલીફ સીવાય બીજું કઈ પ્રાપ્ત નથી કર્યું. હોશિયાર ઈન્સાનનું ખાવું પીવું અને સૂવું પણ વખાણ લાયક હોય છે.
(નેહજુલ બલાગહ હિકમત નં ૧૪૫)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: દિલ થી રોઝો રાખવો ઝબાન થી રોઝો રાખવા કરતા બેહતર છે અને ઝબાન થી રોઝો રાખવો પેટ ના રોઝા થી બેહતર છે.
(ગોરરૂલ હિકમ ભાગ પેજ ૪૧૭)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: રમઝાન મહિના ને રમઝાન એ માટે કહેવામાં આવે છે કારણકે તે ગુનાહોને બાળી નાખે છે.
(મિઝાનુલ હિકમત હદીસ નં ૭૪૪૧)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: અલ્લાહ તઆલા છ (6) પ્રકારના લોકો ને છ (6) કારણે અઝાબ આપશે.
1. અરબી લોકોને પક્ષપાત ના લીધે (તારો કબીલો મારો કબીલો, હું અરબી તુ અજમી)
2. જમીનદાર લોકોને ઘમંડ ના લીધે
3. હાકીમો, બાદશાહો અને નેતાઓને ઝુલ્મ અને અત્યાચાર ના લીધે
4. આલીમોને હસદ અને ઈર્ષા ના લીધે
5. વેપારીઓ ને બેઈમાની અને ખયાનત ના લીધે
6. અને ગામડિયા લોકોને જેહાલત અને અજ્ઞાનતા ના લીધે. (અઝાબ દેવામાં આવશે)
(અલ્ખેસાલ પેજ ૩૨૫)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જે કોઈ કાલ ની રોજી માટે (અત્યાર થી) પરેશાન રહશે તે કોઈ દિવસ કામયાબ નહિ થાય.
(ગોરરૂલ હિકમ, હદીસ ૯૧૧૩)
મોલા અલી અલય્હિસ્સલામ નું વસિયત નામુ: ઇમામ હસન (અલય્હિસ્સલામ) અને ઇમામ હુસૈન (અલહિસ્સલામ)ને ઇબ્ને મુલ્જિમની તલવારથી ઝખ્મી થયા પછી ફરમાવ્યું.

(દુનિયા થી દિલ ન લગાવવું)
હું તમો બંનેને વસીયત કરૂં છું કે અલ્લાહનો તકવા (ડર) ઇખ્તયાર કરતા રહેજો અને ખબરદાર, દુનિયા તમને લાખ ચાહે તેનાથી દિલ ન લગાવજો...

(સિલ્હે રહમ, સબંધ)
હું તમો બંનેને અને મારા બધા બાલ બચ્ચાઓને અને જ્યાં સુધી મારો સંદેશ પહોંચે, બધાને વસીયત કરૂં છું કે અલ્લાહનો તકવા અપનાવજો, પોતાના કામોને વ્યવસ્થિત રાખજો, પોતાની વચ્ચે સંબંધો સુધારીને રાખજો. કેમકે મેં તમારા બુઝુર્ગ નાના પાસેથી સાંભળ્યું છે કે આપસના મામલાઓ સુધારી રાખવા સામાન્ય નમાઝ અને રોઝાથી પણ ઉત્તમ છે.

(યતિમો, પાડોશી)
જુઓ યતિમોના સંબંધમાં અલ્લાહથી ડરતા રહેજો અને તેઓને ભૂખ્યા રહેવાનો વખત ન આવી જાય. અને તેઓ તમારી દ્રષ્ટિ સમક્ષ બરબાદ ન થઈ જાય અને જુઓ પડોશીઓના વિષયમાં અલ્લાહથી ડરતા રહેજો કેમકે તેમના વિષયમાં તમારા પયગમ્બર સલ્લલ્લાહો અલય્હે વ આલેહીની વસીયત છે અને આપ બરાબર તેઓના વિશે નસીહત ફરમાવતા રહેતા હતા. એટલે સુધી કે અમને લાગ્યું કે કદાચ આપ વારસદાર પણ બનાવવાવાળા છે.

(કુરાન અને નમાઝ)
જુઓ અલ્લાહથી ડરો, કુરઆનના સંબંધમાં કે તેમના પર અમલ કરવામાં બીજા લોકો તમારી આગળ ન નીકળી જાય. અલ્લાહથી ડરો નમાઝના વિશે એ તમારા દીનનો સ્તંભ છે.

(અલ્લાહ નું ધર)
અને અલ્લાહથી ડરો પોતાના પરવરદિગારના ઘરના સંબંધમાં કે જ્યાં સુધી જીવતા રહો તેને ખાલી ન રહેવા દયો કેમકે જો તેને છોડી દીધું તો તમે જોવાને લાયક પણ નહીં રહો

(લોકોને નેકી ની દાવત આપતા રહો)
અને અલ્લાહથી ડરો પોતાની જાન અને માલ અને જબાનથી જેહાદ કરવા વિશે અને આપસમાં એક બીજાથી સંબંધ રાખો, એક બીજાની મદદ કરતા રહો અને ખબરદાર એકબીજાથી મોં ન ફેરવી લેતા, અને સંબંધો તોડી ન નાખવા અને અમ્ર બિલ મઅરૂફ (નેકીનો હુકમ) અને નહીં અનિલ મુન્કર (ગુનાહથી રોક્વા)ની ઉપેક્ષા ન કરજો નહિંતર તમારા પર બૂરા લોકોની હુકૂમત સ્થપાઈ જશે. અને તમે ફરિયાદ પણ કરશો તો સાંભળવામાં નહીં આવે.

(ફકત કાતિલ ને મારજો)
અય અબ્દુલ મુત્તલિબની અવલાદ ! ખબરદાર, હું એ ન જોઉં કે તમે મુસલમાનોનું ખૂન વહાવવું શરૂ કરી દયો માત્ર એ નારા પર કે "અમીરૂલ મોઅમેનીન માર્યા ગયા છે." મારા બદલામાં મારા ખૂની સિવાય કોઈને કતલ નથી કરી શકાતો. જુઓ, જો હું આ “ઘા”થી ઉગરી ન શક્યો તો એક “ઘા”નો જવાબ એક જ “ઘા” છે અને જુઓ મારા કાતિલના જીસ્મના ટૂકડા ન કરજો કેમકે મેં ખૂદ સરકારે દો આલમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહીથી સાંભળ્યું છે કે ખબરદાર, કરડવાવાળા કૂતરાના પણ હાથ પગ ન કાપવા.
(નેહજુલ બલગાહ લેટર નં 47)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ: ઇદ ના દિવસે ફરમાવે છે: આ ઈદ માત્ર એ લોકો માટે છે જેમના રોઝા કબૂલ થઈ ગયા અને તેમની નમાઝ સ્વીકારવામાં આવી, અને આમ પણ જે દિવસે પરવરદિગારનો કોઈ ગુનોહ ન કરવામાં આવે તે દિવસ મુસલમાનો માટે ઈદનો દિવસ છે.
(નેહજુલ બલગાહ હિકમત નં ૪૨૮)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જે લોકો ઉપર ઓછો ભરોસો રાખશે તે સ્વસ્થ અને તંદુરસ્ત રહશે અને જે લોકો ઉપર વધારે ભરોસો રાખશે તે પરેશાન રહશે.
(મિઝાનુલ હિકમત ભાગ ૧૫ પેજ ૨૦૦)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: તમો તમારા માં-બાપ ની સાથે નૈકી કરો એટલે તમારી ઓલાદ પણ તમારી સાથે નૈકી અને સારો વર્તાવ કરે.
(ગોરરૂલ હીકમ ભાગ ૩ પેજ ૨૬૭)